સંક્ષિપ્ત પરિચય

--- શહેરનો ઇતિહાસ  :

          વિજાપુર શહેર વિજલદેવ પરમાર નામના રાજાએ ઇ.સ.પૂર્વે ૭૨૧માં વસાવેલ હતું. રાજાની પ્રજાવત્સલતા અને લોકપ્રિયતાને કારણે તેના નામ પરથી વિજાપુર શહેરનું નામ પડ્યુ. વિજાપુર શહેર વિજલદેવ રાજાના રાજ્ય કાળ દરમ્યાન સાબરમતી નદી કે જે પહાડાની નદી તરીકે ઓળખાય છે તેના કિનારે વસેલ હતું. પરંતુ કાળક્રમે વિજાપુર પશ્ચિમમાં વસવાટ કરતું થતુ ગયુ. વિજલદેવ રાજાની કુળદેવી વિદ્યવાસિની માતાજી હતા. જેમનું મંદીર હાલમાં શહેરની પૂર્વ દિશાએ આવેલ છે (આ મંદીર રાજા વિજલદેવના સમય દરમ્યાન નગરના મધ્યમાં વિદ્યમાન હતુ). જુના સમયમાં વિજાપુર શહેરના ચાર બાજુ ચાર દરવાજા હતા. જેમના નામ (૧) લાલ દરવાજા (ર) મકરાણી દરવાજા (૩) ખત્રીકુવા દરવાજા અને (૪) અમદાવાદી દરવાજા તરીકે ઓખળાતા હતાં. જે પૈકી હાલમાં મકરાણી દરવાજો હયાત છે.

          વિજાપુર શહેર મહેસાણા જિલ્લા મથકથી ૪૫.૦૦ કી.મીના અંતરે, સુપ્રસિધ્ધ યાત્રાધાન મહુડીથી ૮.૦૦ કી.મી.ના અંતરે તથા હિંમતનગરથી ૨૬.૦૦ કી.મી.ના અંતે સ્થિત છે.

વિજાપુરમાં સરેરાશ ૨૨ થી ૪૫ સેન્ટી. તાપમાન અનુભવાય છે. ૫૦ ટકા જેટલો વરસાદ દક્ષિણ-પશ્ચિમના ચોમાસામાં એટલે કે જૂન થી સપ્‍ટેમ્બર માસ દરમ્યાન પડે છે. આ શહેરનો કુલ ગામતળ વિસ્તાર ૩.૭૮ ચોરસ કીલોમીટર અને જમીન વિસ્તાર ૯૦ હેક્ટર જેટલો છે.

          વિજાપુર ૨૫૫૫૮ (૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે) નગરજનોની વસ્તી ધરાવતું શહેર છે.  તે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પૂર્વ દિશામાં આવેલ રાજ્ય મુખ્ય ધોરીમાર્ગથી ૧.૫ કી.મી.ના અંતરે આવેલ છે. આ શહેરમાં નગરપાલિકાનું વહીવટી તંત્ર ગોઠવાયેલ છે.

          વિજાપુરની પૂર્વે રણછોડપુરા, પિશ્ચમે પિલવાઇ, ઉત્તરે લાડોલ અને દક્ષિણે આનંદપુરા ગામ આવેલા છે.વિજાપુર શહેર લાડોલ ગામથી ૯.૦૦ કી.મી.ના અંતરે દક્ષિણ દિશાએ આવેલ છે. જે વિસ્તાર ખેતી માટે ખ્યાતનામ છે. વિજાપુરના અવશેષો દર્શાવે છે કે વિજલદેવ રાજાના સમયમાં આ વિસ્તારનું કેટલું મહત્વ હતું.શહેરમાં ગાયકવાડી પ્રકારની બાંધણી ધરાવતાં મકાનો કે જેમાં ઇંટ/ચૂનો/માટીનો મહદઅંશે ઉપયોગ થયેલો જોવા મળે છે. હાલના સમયમાં આધુનિક બાંધકામો માં  સિમેન્ટ કોંક્રીંટ પ્રમાણ જોવા મળે છે